આ ઇતિહાસ નથી વર્તમાન છે... આજીવન સેવાના ભેખધારી, જિનશાસન રત્ન, પ્રાણી મીત્ર એવા કુમારપાળભાઈ વી. શાહનો જન્મ વિજાપુર, ગુજરાતમાં 16 નવેમ્બર 1945 ના રોજ થયો હતો. વિજાપુરથી ફોફલવાડી, ગુલાલવાડી મુંબઇ અને કલિકુંડની ધન્ય ધરાને પોતાની કર્મભૂમિ બનાવી... 27મી મે 1964ના રોજ ગ્રીષ્મકાલીન શિબિરમાં ફુંકાયેલ પ્રચંડ વાવાઝોડાને તેમણે પોતાના અપૂર્વ સંકલ્પ અને અતુટ શ્રધ્ધાથી શાંત કર્યુ... સાથે સાથે જીવન પર્યંત માનવતા, પરોપકાર અને જિનશાસન સેવાના અવિરત કાર્યો શરૂ કર્યા... લગભગ 21 વર્ષની ઉંમરથી શરૂ થયેલ પરમાર્થતા આજે 80 વર્ષ પર્યંત અવિરત ચાલુ છે.
બાંગ્લાદેશ ના શરણાર્થીઓની સેવા હોય, કાલહાંડી (ઓરીસ્સા)ના ત્રસ્ત જીવો હોય, મચ્છુ ડેમ (મોરબી), હોનારતના અસરગ્રસ્ત પરિવારો હોય, લાતુર (મહારાષ્ટ્ર)ના ભુકંપ પીડીત પરિવારો હોય, કચ્છ ભુકંપના ત્રાહીમામ જીવો હોય, સુરત પૂરના અસર ગ્રસ્ત પરિવારો, આંધ્રપ્રદેશના વાવાઝોડામાં ત્રાહીમામ જીવો, બનાસકાંઠાના પૂરના ઘરવિહોણા અનેક પરિવારો, ટોટે વાવાઝોડાના અસર ગ્રસ્ત જીવો હોય કે કોરોનાના કાળમાં દુઃખી પરિવારો હોય, આ સૌની સેવા અને સાધર્મિક ભક્તિ તેમના દ્વારા થયેલા અપ્રતિમ માનવસેવા તથા પ્રાણી સેવાના કાર્યો છે.
સંઘહીતચિંતક, સિધ્ધાંત સંરક્ષક પ.પૂ.આ.દેવ શ્રી વિજય ભૂવનભાનુ સૂરીશ્વરજી મહારાજાએ તેમનામાં રહેલ વિરલ, વિશુધ્ધ અને વિશિષ્ટ સંભવાનાઓને આશિર્વાદ અને ઘડતર કરી જિનશાસન, સમગ્ર સમાજ તથા રાષ્ટ્રને એક અણમોલ સમર્પિત શ્રાવકની ભેટ આપી... અત્યાર સુધીમાં લગભગ 500 થી વધુ જિનમંદિરોના નિર્માણ થયા, 300 થી વધુ ઉપાશ્રયો / વિહારધામો થયા, 50 થી વધુ જીવદયા તિર્થ (પાંજરાપોળ)ના નિર્માણ થયા, લાખો પશુઓને અભયદાન આપ્યુ. કરોડોં કુદરતની આફતના પીડીતોના આંસુ લુછાયા, લાખો સાધર્મિક પરિવારોની તકલીફો દુર કરી... આવા પરોપકારના પ્રતિક કુમારપાળભાઇ વી. શાહને નતમસ્તક વંદન..
શેઠ દયાચંદ ધરમચંદ ખોડાઢોર પાંજરાપોળના સ્થાપક પરિવાર એવા શ્રીમતી કલાવતીબેન વિમળભાઇ શાહ અને શ્રી કુમારપાળભાઇ વી. શાહ ધ્વારા આ સંસ્થાને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહ્યુ છે. લાખો જીવોની સેવા અહીં સરસ રીતે થઇ રહી છે..